સામાન્ય બજેટઃ કૃષિ-આરોગ્ય-ગરીબો માટે રાહતો, મધ્યમવર્ગને નિરાશા

 

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી નવી દિલ્હીમાં પહેલી ફેબ્રુઆરી, ગુરુવારે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. તસવીરમાં તેમની બાજુમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી અને કેન્દ્રીય મંત્રીઓ રાજ્યવર્ધન સિંહ રાઠોર અને નીતિન ગડકરી નજરે પડે છે. (ફોટોસૌજન્યઃ પીટીઆઇ)

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ પહેલી ફેબ્રુઆરી, ગુરુવારે નવી દિલ્હીમાં લોકસભામાં સંસદમાં ચોથું પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. વર્તમાન એનડીએ સરકારનું આ પાંચમું અને અંતિમ પૂર્ણ બજેટ હતું. આ બજેટમાં ખેડૂતો અને ગરીબો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને તેમના માટે ઘણી યોજનાઓ અને રાહતો રજૂ કરવામાં આવી હતી. જોકે નોકરિયાત વર્ગ અને રોકાણકારોને કોઈ રાહત આપવામાં આવી નથી. બજેટમાં સરકાર દ્વારા ટેક્સ સ્લેબમાં કોઈ રાહત આપવામાં આવી નથી, જ્યારે સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે પણ સેઝમાં એક ટકાનો વધારો કરી દેવામાં આવ્યો નથી. શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો પર પણ ટેક્સ વધારીને સરકારે તેમને ઝાટકો આપ્યો છે.

બજેટના મહત્ત્વના મુદ્દાઓમાં મ્યુચ્યુઅલ ફંડની આવક પર પણ દસ ટકા ટેક્સ આપવો પડશે, સરકારે કસ્ટમ ડ્યુટીમાં વધારો કર્યો છે, શેરનું ખરીદ-વેચાણ કરતા લોકો પર ટેક્સ વધ્યો છે, લોન્ગ ટર્મ કેપિટેલ ગેઇન ટેક્સ દસ ટકા લેવાશે, રૂ. એક લાખથી વધારે શેર હોય તો 15 ટકા ટેક્સ લાગશે. શિક્ષણ અને સ્વાસ્થ્ય પર સેઝ વધારીને ચાર ટકા કરાયો છે. વિદેશી મોબાઇલ અને ટીવી મોંઘાં થશે. 250 કરોડ વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીઓને 25 ટકા છૂટ અપાઈ છે. ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

બજેટના અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દામાં ડિરેક્ટ ટેક્સ કલેક્શન 12.6 ટકા રહ્યું, ટેક્સ આપનારા 19.25 લાખ લોકો વધ્યા, ઇન્કમ ટેક્સ કલેક્શન 90 હજાર કરોડ વધ્યું છે, 14 સરકારી કંપનીઓને શેરબજારમાં લાવવામાં આવશે. સરકારી કંપનીના શેર વેચીને 80,000 કરોડ ઊભા કરાશે. 5ાંચ લાખ નવાં સ્વાસ્થ્ય સેન્ટર બનાવાશે. સ્માર્ટ સિટી માટે 99 શહેરની પસંદગી કરવામાં આવી છે.

બજેટમાં રેલવે અને ઉડ્ડયન ક્ષેત્રે પણ નવી જાહેરાતો કરાઈ છે. 5-જી નેટવર્ક શરૂ કરવા ચેન્નઈમાં રિસર્ચ કરાશે. 600 સ્ટેશનોને આધુનિક બનાવાશે. દરેક ટ્રેનમાં સીસીટીવી અને વાઈ-ફાઈ લગાવાશે. ઉડાન યોજના માટે 56 એરપોર્ટ કવર કરાશે.એરપોર્ટની સંખ્યા 5ાંચ ગણી વધારાશે.

રેલવે માટે એક લાખ 48 કરોડની ફાળવણી કરવામાં આવશે. 70 લાખ નવી નોકરીઓ અપાશે. વેપાર શરૂ કરવા રૂ. ત્રણ લાખ કરોડનું ફંડ અપાશે.

બજેટ અગાઉ જેટલી રાષ્ટ્રપતિ ભવન ગયા હતા અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. જેટલી અને તેમની ટીમે બજેટ અગાઉ બ્રીફકેસ સાથે ગ્રુપ ફોટો પડાવ્યો હતો.

આ અગાઉ જેટલીએ સંસદમાં રજૂ કરેલા 2017-2018ના આર્થિક સર્વેમાં 2018-2019ના આર્થિક વર્ષમાં જીડીપી વૃદ્ધિ સાતથી સાડા સાત ટકા થવાનું અંદાજવામાં આવ્યું છે.