ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાશે

Photo: IANS

નવી દિલ્હી: ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી ૧૮ ફેબ્રુઆરીએ તો મેઘાલય અને નાગાલેન્ડમાં ૨૭ ફેબ્રુઆરીએ રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજાશે એવી જાહેરાત ચૂંટણી પંચે ગુરુવારે કરી હતી.
મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા વિધાનસભાની મુદત અનુક્રમે ૬, ૧૩ અને ૧૪ માર્ચે પૂરી થઈ રહી છે. આ ત્રણે વિધાનસભા પ્રત્યેક ૬૦ સભ્ય ધરાવે છે.

મુખ્ય ચૂંટણી કમિશનર એ. કે. જોતીએ ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ આ ત્રણેય રાજ્યમાં મતગણતરી ત્રીજી માર્ચે હાથ ધરવામાં આવશે એમ કહ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી આ ત્રણેય રાજ્યમાં પગપેસારો કરવા માગે છે તો કૉંગ્રેસ અને ડાબેરીઓ આ રાજ્યોમાં તેમની સત્તા જાળવી રાખવા માગે છે. ૨૪ જાન્યુઆરીએ ત્રિપુરામાં જાહેરનામું બહાર પાડવાની સાથે જ ચૂંટણીની ઉમેદવારી પ્રક્રિયાનો આરંભ થઈ જશે.

ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી હશે. પહેલી ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રકની ચકાસણી કરવામાં આવશે ને ૩ ફેબ્રુઆરી ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ હશે.

મેઘાલય અને નાગાલેન્ડ માટે ૩૧ જાન્યુઆરીએ જાહેરનામું બહાર પાડવામાં આવશે. અહીં ઉમેદવારીપત્રક ભરવાની અંતિમ તારીખ ૭ ફેબ્રુઆરી અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૧૨ ફેબ્રુઆરી રાખવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

મેઘાલયમાં હાલ કૉંગ્રેસની સરકાર છે અને મુખ્ય પ્રધાન મુકુલ સંગમા છે આમ છતાં કૉંગ્રેસ આંતરિક બળવાનો સામનો કરી રહી છે. જ્યારે આસામમાં ભાજપના હાથે પરાજય વેઠ્યા બાદ મેઘાલયમાં સત્તા જાળવી રાખવી કૉંગ્રેસ માટે અતિ મહત્વની વાત હશે.

ટી. આર. ઝેલિઆન્ગના મુખ્ય પ્રધાનપદ હેઠળ નાગા પીપલ્સ ફ્રન્ટ નાગાલેન્ડમાં સત્તા પર છે.

ત્રિપુરામાં ડાબેરીઓ છેલ્લી પાંચ મુદતથી સત્તા પર છે અને મુખ્ય પ્રધાન માનિક સરકાર સતત ચાર મુદતથી અહીં સત્તાનું સિંહાસન સંભાળી રહ્યા છે. ભારતમાં કેરળ ઉપરાંત ત્રિપુરા જ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં માર્ક્સવાદી પક્ષના વડપણ હેઠળની સરકાર છે.

બાંગલાદેશને જોડતી સરહદે આવેલા આ રાજ્યમાં સત્તા મેળવવાની સ્પર્ધામાં ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા હોવાને કારણે તેમને સત્તાથી દૂર રાખવા માનિક સરકારે દૃઢતાપૂર્વક તેમનો સામનો કરવો પડશે.

ચૂંટણીમાં વધુ પારદર્શિતા અને વિશ્વસનીયતા લાવવા ગુજરાત અને હિમાચલ પ્રદેશની જેમ જ આ ત્રણે રાજ્યમાં પણ દરેક ચૂંટણીમથકમાં બેલેટ પેપરની સાથેસાથે ઈવીએમનો પણ ઉપયોગ કરવામાં આવશે તેમ કહ્યું હતું.