મુંબઈની પ્રતિષ્ઠિત ખાર જિમખાના કલબે હાર્દિક પંડયાની મહિલાઓ વિષયક અભદ્ર ટિપ્પણી બાદ હાર્દિકની મેમ્બરશિપ રદ કરી દીધી…

REUTERS

કોફી વિથ કરણમાં મહિલાઓ વિષે અયોગ્ય અને અશોભનીય , અસંસ્કારી ટિપ્પણી કરવામાટે ટીમ ઈન્ડિયામાંથી ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ હવે મુંબઈની અતિ પ્રતિષ્ઠિત ખાર જિમખાના કલબે હાર્દિક પંડ્યાની મેમ્બરશિપ રદ કરી દીધી હતી. આ માહિતી કલબના જોઈન્ટ સેક્રેટરી ગૌરવ કાપડિયા દ્વારા મળી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ- બન્ને ક્રિકેટરોને સસ્પેન્ડ કર્યા પછી હાર્દિક પંડ્યાએ પોતે કરેલી અભદ્ર ટિપ્પણીઓ બદલ બિનશરતી માફી પણ માગી હતી. પ્રાપ્ત માહિતી  અનુસાર, કલબના જોઈન્ટ સેક્રેટરી ગૌરવ કાપડિયાએ જણાવ્યું હતું કે, કલબના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર ઘણી મહિલા સભ્યોએ પંડ્યા વિુરુધ્ધ કાર્યવાહી કરવાનો મુદો્ રજૂ કર્યો હતો. તેને કારણે કલબની મનેજમેન્ટ કમિટીએ એકમતે હાર્દિક પંડ્યાની મેમ્બરશિપ પરત લેવાનો નિર્ણય લીધો હતો. ગત વરસે એકટોબર મહિનામાં હાર્દિકને આ માનદ સભ્યપદ 3 વરસ માટે આપવામાં આવ્યું હતું. અગાઉ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ , મહેશ ભૂપતિ, સાનિયા મિર્જા તેમજ સાઈના નેહવાલને કલબ સભ્યપદ આપી ચુકી છે.